સાતમું પગારપંચ સ્વીકારવાના વિકલ્પ અંગે સમજુતી

જેમને સાતમું પગારપંચ લાગુ પડે છે તેવા કર્મચારીઓએ સાતમું પગારપંચ તા.૦૧/૦૧/૨૦૧૬થી મળવાપાત્ર થાય છે. પરંતુ, ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬માં સાતમું પગારપંચ ક્યારથી સ્વિકારવું છેતે અંગે કર્મચારીએ વિકલ્પ આપી શકે એવી જોગવાઇ છે.

ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ ના નિયમ-૫ મુજબ “આ નિયમોમાં અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય, કોઇ સરકારી કર્મચારી તેને જે જગ્યા ઉપર નીમવામાં આવ્યો હોય તે જગ્યાને લાગુ પડતા સુધારેલ પગાર માળખામાં પગાર મેળવશે.

પરંતુ, કોઇ સરકારી કર્મચારીને જે તારીખે વિદ્યમાન (હાલના એટલે કે છઠ્ઠાં પગારપંચ મુજબના) પગાર ધોરણમાં તેનો આગામી અથવા ત્યાંરપછીનો કોઇ ઇજાફો મળે નહિ તે તારીખ સુધી અથવા તે તેને જગ્યા ખાલી ન કરી દે ત્યાં સુધી અથવા તે પગાર ધોરણમાં તેને પગાર મળતો બંધ થાય ત્યાં સુધી તે વિદ્યમાન પગાર-ધોરણમાં પગાર લેવાનું ચાલુ રાખવાનું પસંદ કરી શકશે (એટલે કે વિકલ્પ આપી શકશે)

વધુમાં બઢતી, પગાર-ધોરણનું અપગ્રેડેશન (પગાર-ધોરણ ઊંચું લાવવું-ઉ.પ.ધો.) વગેરે કારણસર, કોઇ સરકારી કર્મચારીને સને ૨૦૧૬ ના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ અને જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખ (૧૯/૦૮/૨૦૧૬) વચ્ચેના સમયગાળામાં ઉપલા પગાર-ધોરણમાં મૂકવામાં આવે, તો તે સરકારી કર્મચારી આવી બઢતી અપગ્રેડેશન (પગાર-ધોરણ ઊંચું લાવવા) ની તારીખથી સુધારેલ પગાર માળખામાં પગાર ફેરવવાનું પસંદ કરી શકશે.”

આમ, તા.૦૧/૦૧/૨૦૧૬થી નવું પગારધોરણ સ્વીકારવું ન હોય તો નિયમો મુજબ ઉપલબ્ધ વિકલ્પ પૈકી કોઇપણ એક વિકલ્પ આપી શકાય છે.

વિકલ્પ આપવા માટે કર્મચારીના બે પ્રકાર પાડી શકાય.

(૧) તા.૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ બઢતી, ઉ.પ.ધો. વગેરે ન મળેલ હોય તેવા કર્મચારી. અને,

(૨) કોઇ કર્મચારીને તા.૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ અને તા.૧૯/૦૮/૨૦૧૬ વચ્ચેના સમયગાળામાં બઢતી કે ઉ.પ.ધો. મળેલ હોય તેવા કર્મચારી.

પ્રથમ પ્રકારના કર્મચારી નીચે જણાવેલી ત્રણ પૈકી કોઇપણ એક મુદત સુધી તેમની કાયમી/કાર્યકારી જગાના વિદ્યમાન પગાર ધોરણમાં પગાર લેવાનું ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે ત્યારબાદ સાતમું પગારપંચ સ્વીકારવું પડે.

(૧) વિદ્યમાન પગાર ધોરણમાં આગામી ઇજાફાની તારીખ સુધી. (વિકલ્પમાં તારીખ લખવાની રહે છે)

(૨) વિદ્યમાન પગાર ધોરણમાં અમુક ઇજાફા પછીનો પગાર અમુક રકમ સુધી વધે ત્યાં સુધી. (વિકલ્પમાં જે પગાર સુધી જુનો પગાર લેવો હોય તે રકમ દર્શાવવાની રહે છે)

(૩) વિદ્યમાન પગાર ધોરણમાં પગાર લેવાનું છોડી દે અથવા બંધ કરે ત્યાં સુધી.

બીજા પ્રકારના કર્મચારી બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી નવું પગારપંચ સ્વિકારવાનો વિકલ્પ આપી શકે છે.

વિકલ્પ જાહેરનામાની તારીખથી ત્રણ મહિનાની અંદર (એટલે કે તા.૧૯/૧૧/૨૦૧૬ સુધીમાં) આપવાનો રહે છે. આપેલો આ વિકલ્પ આખરી રહે છે. તેમાં પછીથી કોઇપણ પ્રકારનો ફેરફાર થઇ શક્તો નથી.

ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ના નિયમ-૫ ના સ્પષ્ટીકરણ-૧ મુજબ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રાખવાનો વિકલ્પ એક વિદ્યમાન પગારધોરણ (ગ્રેડ પે)ના સંબંધમાં જ મળવાપાત્ર થાય છે. એટલે કે તા.૦૧/૦૧/૨૦૧૬ પછી જ્યારે બઢતી કે ઉ.પ.ધો. મળે તો તે તારીખ સુધી જ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રહી શકાય છે અને બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી ગ્રેડ પે બદલાતો હોવાથી ફરજીયાત સાતમું પગારપંચ સ્વીકારવું પડે ત્યારબાદના ઇજાફાની તારીખથી વિકલ્પ ન આપી શકાય એવું અમારૂ અર્થઘટન છે.

કોઇ કર્મચારીને નીચેના ઉદાહરણ મુજબ તા.૧૨/૦૨/૨૦૧૬ના રોજ બઢતી કે ઉ.પ.ધો. મળે તો તે ત્યાં સુધી વિદ્યમાન પગારધોરણ (ગ્રેડ પે)માં રહી શકે તે તારીખે પ્રથમ જુના પગારધોરણમાં પગારબાંધણી કરીને જે પગાર આવે તેને ૨.૫૭ વડે ગુણતા પે-મેટ્રીક્ષ મુજબ તા.૧૨/૦૨/૨૦૧૬નો નવો પગાર નક્કી થાય અને આગામી ઇજાફા તારીખ ૦૧/૦૧/૨૦૧૭ નક્કી થાય. બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી ગ્રેડ પે બદલાતો હોવાથી ત્યારબાદ તે કર્મચારી તેની જુની આગામી ઇજાફાની તા.૦૧/૦૭/૧૬નો ઇજાફો મેળવીને સાતમું પગારપંચ સ્વીકારવાનો વિકલ્પ ન આપી શકે.

હવે પ્રશ્ન એ થાય કે સાતમાં પગારપંચનો સ્વિકાર કઈ તારીખથી કરવો? તેનો વિકલ્પ આપવો કે નહિ?

આ માટે દરેક વ્યક્તિગત કિસ્સામાં ગણતરી કરીને કાળજીપૂર્વક નિર્ણય લેવાનો રહે છે કારણ કે વિકલ્પ આપ્યા બાદ તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. જો ખોટો વિકલ્પ અપાઇ જાય તો નિવૃત્તિની તારીખ સુધી તેની અસર રહે છે.

બીજા પ્રકારના કર્મચારી માટે નીચે મુજબનું એક ઉદાહરણ જોઇએ.

ઉપરોક્ત વિગતે કર્મચારી જો વિકલ્પ ન આપે તો રૂ. ૨૬૩૦૦ પગાર તા.૦૧/૦૧/૨૦૧૭ના રોજથી મળવાપાત્ર થાય છે. અને જો વિકલ્પ આપવામાં આવે તો પગાર રૂ. ૨૬૩૦૦ તા.૧૨/૦૨/૨૦૧૬ના રોજથી (વહેલો) મળવાપાત્ર થાય છે.

સામાન્ય રીતે જે કર્મચારીને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૦/૦૬/૨૦૧૬ વચ્ચે બઢતી કે ઉ.પ.ધો. મળેલ હોય તો તેમને વિકલ્પ આપવો ફાયદાકારક સાબિત થાય છે. વિકલ્પ આપવાથી મૂળ (બેઝિક) પગારમાં વધારો મળતો હોય તો એરીયર્સ જતું કરીને પણ વિકલ્પ આપવું ફાયદાકારક છે. આમ છતા, ચોક્કસ ગણતરી કરીને અથવા કોઇ નિષ્ણાતની સલાહ લઇને જ વિકલ્પ અંગેનો આખરી નિર્ણય લેવા અનુરોધ છે.

વિકલ્પનો ગુજરાતીમાં નમૂનો MS Word ફાઇલ ફોર્મેટમાં નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

Option Form In Gujarati / ગુજરાતીમાં વિકલ્પનો નમૂનો

આપના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતિ છે.


Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *